છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત: છઠ્ઠીના પ્રસંગમાંથી પરત ફરતા 13ના મોત, અનેક ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુર નજીક રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર સરાગાંવ પાસે બની હતી, જ્યાં એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેલરમાં સવાર લોકો એક નવજાત બાળકની છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં 9 મહિલાઓ, 2 બાળકીઓ, એક કિશોર અને છ મહિનાના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ચટૌદ ગામના પુનીત સાહૂના સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.