ભારત-પાક સંઘર્ષ વિરામ બાદ શેરબજારમાં તેજીનો પ્રચંડ ઉછાળો
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત થતાં જ ભારતીય શેરબજારમાં આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે જ રોનક પાછી ફરી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં આશરે 2000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાયો હતો. ગત શુક્રવારે 79454.47 પર બંધ થયેલો સેન્સેક્સ આજે 81470.01ના મથાળે ખુલ્યો હતો.
એ જ રીતે, નિફ્ટીમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી, જે 24008.00ના અગાઉના બંધ સામે 24607.70 પર ખૂલી હતી. આ તેજીથી રોકાણકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
એશિયન બજારોના સકારાત્મક સંકેતોએ પણ સ્થાનિક બજારને વેગ આપ્યો હતો. એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા મોટા શેરોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.