ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી યથાવત
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલો કમોસમી વરસાદ આજે પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં વાવાઝોડા અને 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે લોકોને ઉકળાટનો પણ અનુભવ થશે. હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે તેઓ દરિયો ન ખેડે.