પાકિસ્તાની ડ્રોન અને ચીની મિસાઈલને ભારતે ભસ્મીભૂત કર્યા
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાઓએ સંયુક્ત રીતે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન, ડીજીએમઓ લેફ્ટનન્ટ રાજીવ ઘાઈએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.
ડીજીએમઓએ જણાવ્યું હતું કે ભારતની લડાઈ હંમેશાં આતંકવાદ વિરુદ્ધ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 7મી મેના રોજ ભારતીય સેનાએ માત્ર આતંકવાદીઓના ઠેકાણાંને જ નિશાન બનાવ્યા હતા. જો કે, પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સમર્થન આપ્યું, જેના કારણે ભારતની જવાબી કાર્યવાહી જરૂરી બની ગઈ હતી.
પહલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં ડીજીએમઓએ કહ્યું કે આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો અને તેનો જવાબ આપવો અનિવાર્ય હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઓપરેશન દરમિયાન જે પણ નુકસાન થયું છે, તેના માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છે. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કરેલા ઓપરેશનની તમામ માહિતી મીડિયા સમક્ષ મૂકી હતી.