અમદાવાદમાં કુખ્યાત બુટલેગરની ગેરકાયદેસર બિલ્ડિંગ પર બુલડોઝર ફર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) આજે નરોડાના મુઠીયા ગામમાં એક જાણીતા બુટલેગર જયેશ ઉર્ફે જીગા સોલંકીની ગેરકાયદેસર ત્રણ માળની બિલ્ડિંગ તોડી પાડી હતી. સ્થાનિક પોલીસે આ કાર્યવાહીમાં AMCને સહકાર આપ્યો હતો. જીગા સોલંકી એક કુખ્યાત બુટલેગર છે અને તેની સામે નરોડા પોલીસ સ્ટેશનમાં 40થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેના પર સંગઠિત રીતે દારૂનો ધંધો ચલાવવાનો અને પોલીસ પર હુમલા કરવાનો પણ આરોપ છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જીગા સોલંકી તેના સાથીઓ સાથે મળીને મોટા પાયે દારૂની દાણચોરી કરતો હતો. તપાસમાં તેના અને તેના સાથીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યા છે, જેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી. વી. ગોહિલે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગુનાખોરી સામેની તેમની ઝુંબેશનો એક ભાગ છે.