મોડાસામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ભવ્ય ઉજવણી, તિરંગાયાત્રા યોજાઈ
અરવલ્લીના મોડાસામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ હતી. મહાલક્ષ્મી ટાઉન હોલથી શરૂ થયેલી યાત્રા મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈને પરત ટાઉન હોલ પહોંચી હતી. આતંકીઓને હંફાવનાર વીર જવાનોના સન્માનમાં યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઠેરઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું. હજારો નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, એનસીસી, હોમગાર્ડ અને પોલીસ જવાનો સહિત નિવૃત્ત આર્મી ઓફિસર પણ જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ધારાસભ્યો પી. સી. બરંડા, ધવલસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા.