સાધુના વેશમાં ચોરી કરતી ગેંગ સક્રિય, ચંદ્રાલામાં ચોરી
સાધુના વેશમાં છેતરપિંડી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. એક મહિલા પાસેથી ₹50,000ના દાગીના મંત્રવાના બહાને પડાવી, આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે મહિલાએ ચીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે ગાંધીધામમાં પણ આવો જ એક કિસ્સો નોંધાયો હતો.
ગાંધીનગરના ચંદ્રાલા ઉમા સંસ્કાર તીર્થમાં રહેતી એક મહિલા પોતાના પિતાને મળવા જઈ રહી હતી. ચંદ્રાલા ગામ તરફ જતા બ્રિજ પાસે એક કાર ઊભી હતી. કારના ડ્રાઈવરે તેમને બોલાવ્યા. મહિલા ગાડી પાસે પહોંચી ત્યારે અંદર ચાર વ્યક્તિઓ હતા, જેમાંથી બે સાધુના વેશમાં હતા. તેમણે ગિયોડ અંબાજી મંદિરનો રસ્તો પૂછ્યો. મહિલાએ રસ્તો બતાવતા, સાધુએ ₹200ની નોટ કાઢીને આપી અને કહ્યું કે આ નોટ સાચવીને રાખજે, પૂજા કરશે, બહુ પૈસા આવશે.
સાધુની વાતોમાં આવી ગયા બાદ, સાધુએ મહિલાને તેના કાનમાં પહેરેલા બુટિયા આપવા કહ્યું, જેથી તે તેને મંત્રાવીને પાછા આપી શકે. મહિલાએ બુટિયા સાધુના હાથમાં આપ્યા, અને તરત જ સાધુ અને તેના સાગરિતો કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. આવી જ રીતે ગુના આચરતી મદારી ગેંગને ભૂતકાળમાં પણ ઝડપી પાડવામાં આવી હતી, અને લાંબા સમય બાદ ફરી આવી જ ઘટના બનતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.