‘પતંગ બનાવટ તાલીમ’ થકી મહિલાઓને પણ રોજગારીની નવી ઉડાન
આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગોથી જેમ આકાશ રંગીન બની જાય છે, તેમ પતંગ ઉદ્યોગમાં મહિલાઓની કુશળતાને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકાર સંચાલિત, ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગર દ્વારા ‘પતંગ બનાવટ તાલીમ’ થકી મહિલાઓના જીવનમાં પણ, સધ્ધરતા, રોજગારી, સ્વાભિમાન, આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આંખોમાં આત્મનિર્ભર હોવાની ચમક જેવા નવા રંગો ઉમેરાઈ રહ્યા છે. અને પોતાના જીવનમાં આ રંગો ઉમેરવા બદલ મહિલાઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહી છે.
સરકાર મહિલા ઉત્કર્ષ અને મહિલાઓને સ્વાવલંબી તથા પગભર બનાવી ‘આત્મનિર્ભર ભારતની’નીવ મજબૂત બનાવી રહી છે. ત્યારે સાક્ષર મહિલાઓનેતો રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે જ, પરંતુ નિરક્ષર અથવા સાવ ઓછું ભણેલી મહિલાઓની પણ સરકાર દરકાર કરી, તેમને પગભર થવા વિવિધ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા માટીકામ, સેક્ટર-12 ખાતે પાછલા એક વર્ષ દરમિયાન પતંગ બનાવટની ત્રણ તાલીમ થકી 90 બહેનો એ રોજગારની નવી દિશા મેળવી છે. આ પતંગ બનાવટ કાર્યક્રમ તાલીમ અંતર્ગત ઇન્સ્ટ્રક્ટરશ્રી મનીષાબેન પટેલ જણાવે છે કે, સમગ્ર ગુજરાતમાં આ તાલીમ મહિલાઓને સ્વરોજગાર આપવા માટે યોજવામાં આવે છે. જેમાં બહેનોને દિવસનું 150 રૂપિયા સ્ટાઈપન્ડ અને તાલીમને અંતે પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પતંગ બનાવટ તાલીમ એક મહિનાની હોય છે, જેમાં દરેક મહિલા તાલીમાર્થીને સરકાર તરફથી 4500 રૂપિયા સ્ટાઈપન્ડ પેટે પણ મળે છે. આ સાથે જ તાલીમ આપી બહેનોને ઘરેથી ગૃહ ઉદ્યોગ ચલાવવા અથવા, પોતાનો ધંધો રોજગાર ચાલુ કરવા આર્ટીજન કાર્ડ સહિત નાના મોટા ગૃહ ઉદ્યોગો સ્થાપવા, પૈસાની જરૂરત માટે બાજપાઈ બેન્કેબલ યોજનાની પણ સહાય આપવામાં આવે છે. એટલે કે માત્ર તાલીમ નહીં પરંતુ તાલીમ સાથે રોજગારીની નવી તકો અને આર્થિક સહાય પણ સંસ્થા દ્વારા આપી મહિલાઓને સ્વનિર્ભર બનાવવામાં આ સંસ્થા માધ્યમ થકી સરકર સહાયક બની રહી છે.
અહીં પતંગ બનાવટ કાર્યક્રમના તાલીમાર્થી તરીકે એક નવી આશાની ખોજમાં જોડાયેલા બહેનોની વાત, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં કહેવામાં આવ્યા હતા. જેમાં વાઘેલા શર્મિષ્ઠાબેન જણાવે છે કે, તેઓ ભણેલા હોવા છતાં અન્ય કોઈ જગ્યાએ નોકરી કરવા જઈ શકે તેમ નથી. કારણ કે તેમના બે નાના બાળકોની સંપૂર્ણ જવાબદારી તેમના પર છે. અને તેઓ પોતે પણ બાળકોને છોડી ઘર બહાર જવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં તેમને ઘરેથી જ કંઈક નવીન રોજગાર કરવાની ઈચ્છા હતી. ત્યારે તેમને તેમની મિત્ર પાસેથી પતંગ બનાવટ તાલીમ કાર્યક્રમની જાણ થઈ. અને તેમણે તેમાં જોડાવાનું નક્કી કર્યું. આજે તેઓ સારી રીતે પતંગ બનાવવાની કળામાં નીપૂર્ણ થઈ ચુક્યા છે. જેથી તેઓ ભવિષ્યના આયોજન વિશે ઉમેરે છે કે, “મારું ભણતર અને કળા બંને સાથે આગળ વધતા શર્મિષ્ઠાબેન હું એક નવો રોજગાર ઉભો કરવા સાથે નાનકડા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવા ઇચ્છું છું. જેથી મારા જેવી ઘરે બેસીને કામ કરવા ઈચ્છ્તી ઘણી મહિલાઓ માટે આ ગૃહ ઉદ્યોગ પ્રગતિનો નવો અવસર બની રહે.”
આ સાથે જ ગાંધીનગર સેક્ટર 24 માંથી આવતા તાલીમાર્થી હેતાબેન સોલંકી જણાવે છે કે, તેમનો પરિવાર અને આસપાસની મહિલાઓ મળી 20 જેટલી બહેનો, એક ગ્રુપ બનાવી પતંગની બનાવટ તાલીમમાં જોડાયા છે. આ તાલીમમાં જોડાયા પછી, કાચો માલ સામાન ક્યાંથી લાવવો, કઈ રીતે સસ્તા ભાવે મળી શકે તે બધી વિગતો તાલીમ થકી જ તેમને મળી છે. જેના આધારે તેઓ બધા જ ભેગા મળી પતંગ બનાવવાનો એક મહિલા ઉદ્યોગ સ્થાપિત કરવા તરફ ડગ માંડશે. આ તાલીમ વિશે હેતાબેન વધુમાં ઉમેરી છે કે, “એક પતંગ માત્ર કાગળ નથી, પરંતુ તેને બનાવનાર કારીગર ની મહેનત અને તેની કળાનું પ્રતિબિંબ છે. અને આ જ કળા અને મહેનતથી અમે પણ ચોક્કસ પગભર બનીશું.” આમ સરકાર શ્રી દ્વારા યોજવામાં આવી રહેલ વિવિધ તાલીમ કાર્યક્રમ થકી બહેનો તાલીમ મેળવવા સાથે પગભર બની પોતાના ધંધા રોજગારમાં વધુ સક્ષમ અને સફળ બની છે. અને તાલીમથી સફળતા સુધીની આ સફરમાં સરકાર તેમની સહાયક બની છે, જેના માટે તમામ મહિલાઓ સરકારશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

