ભારતમાં કોરોનાનો પુનરાગમન? અમદાવાદમાં નવા 7 કેસ નોંધાતા તંત્ર એલર્ટ
વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના ઝડપી ફેલાવાને પગલે વૈશ્વિક ચિંતા વધી રહી છે, ત્યારે હવે આ વાયરસની ભારતમાં પણ પુનરાગમન થઈ ચૂકી છે, જ્યાં દેશના 11 રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે અને કુલ 164 નવા કેસ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા 257 પર પહોંચી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદ શહેરમાં કોરોનાના 7 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જે તમામને હોમ આઇસોલેશનમાં રાખી તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની આરોગ્ય તપાસની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે (20 મે) જાહેર કરાયેલા આંકડા અનુસાર, વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારણપુરા અને બોપલ જેવા વિવિધ વિસ્તારોમાં એક-એક કેસ નોંધાયા છે, જેમાં પાંચ દર્દીઓ 30 વર્ષથી નીચેની ઉંમરના છે, જ્યારે સૌથી નાની વયની 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેણે તંત્ર અને નાગરિકો બંનેને સાવચેત રહેવાનો સંકેત આપ્યો છે.