વડાપ્રધાનના ગાંધીનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે કલેકટર ગાંધીનગરની આયોજન બેઠક યોજાઈ
આગામી તા.૨૬,૨૭ મેના રોજ વડાપ્રધાનશ્રીના સૂચિત ગાંધીનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં પ્રથમ આયોજન બેઠક યોજી, કાર્યક્રમની તૈયારીઓ તથા અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રધાનમંત્રીશ્રી જ્યારે ગાંધીનગર જિલ્લાના મહેમાન બની રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સહિત નગરજનોનો ઉત્સાહ પણ અદભુત જોવા મળી રહ્યો છે. જેના પગલે તૈયારીઓમાં કોઈપણ ચૂક ન રહે, અને અદભુત આયોજન થકી દેશના વડાપ્રધાનશ્રી તથા ઓપરેશન સિંદૂરમાં જોડાયેલી, આપણી ત્રણેય સુરક્ષા પાંખો સહિત તમામને સંપૂર્ણ આદર સન્માન પૂર્વક આભાર વ્યક્ત કરવાના આ અવસરને યાદગાર બનાવવા કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં એક આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની તૈયારીઓ તથા અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આપણા સૌ માટે ગર્વની વાત છે કે, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આપણી વચ્ચે આવી રહ્યા છે, આ અવશરે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની તેમનું અભિવાદન કરવા આ કાર્યક્રમમાં જોડાશે. અને જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો એક સ્થળે જોડાઈ રહ્યા હોય ત્યારે કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે પ્રમાણે, ખાસ તો આરોગ્યની તથા પાર્કિંગની અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણ પાર્કિંગ એરિયામાં મેડિકલ ઇમરજન્સી માટે 108ની વ્યવસ્થા સહિત પ્રાથમિક સારવાર માટેના ચારથી પાંચ સ્ટોલ ઉભા કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા, મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી, પ્રાંતશ્રીઓ, મામલતદાર શ્રીઓ, ટીડીઓ શ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.