વડોદરામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો
ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતે પધાર્યા છે. આજે સવારે, વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી એક ભવ્ય ‘સિંદૂર યાત્રા’ (રોડ શો) કાઢવામાં આવી રહી છે. વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. નોંધનીય છે કે, કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ આ ‘સિંદૂર સન્માન યાત્રા’માં જોડાયા છે. આજના દિવસ દરમિયાન વડાપ્રધાનના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
દાહોદના ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ. 24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ભુજમાં વડાપ્રધાન 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે, અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે, 27મી મેના રોજ, વડાપ્રધાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂ. 5,536 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.