રાજ્યભરમાં ભારે વરસાદનું એલર્ટ: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ, ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો છે, જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ સહિત મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા તમામ જિલ્લાઓને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. આગામી કલાકોમાં વાતાવરણમાં વધુ પલટો આવવાની શક્યતા છે.