ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની કરાઇ ભવ્ય ઉજવણી
ગાંધીનગર: આજે ૨૧મી જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગાંધીનગર જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સેક્ટર-૨૭, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, આંધ્ર પ્રદેશથી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશના નાગરિકોને સંબોધન કરી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રાસંગિક ઉદબોધન પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીના સંબોધન દ્વારા વર્તમાન સમયમાં યોગની જરૂરિયાત અને મહત્વ અંગે સમજણ મેળવી હતી. આ ઉજવણીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, અને કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જે યોગના મહત્વ અને જનજીવનમાં તેના પ્રસાર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.