ગુજરાતમાં ‘ઓપરેશન ગંગાજળ’ પોલીસ વિભાગ સુધી વિસ્તર્યું: 2 PI ફરજિયાત નિવૃત્ત
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી તંત્રમાંથી ભ્રષ્ટ અને અયોગ્ય અધિકારીઓને વહેલા નિવૃત્ત કરવા શરૂ કરેલું ‘ઓપરેશન ગંગાજળ’ હવે પોલીસ વિભાગ સુધી પહોંચ્યું છે. ગૃહ વિભાગે જાહેર હિતમાં પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-૨ના બે અધિકારીઓ – CID ક્રાઈમના એમ.વી. બતુલ અને અમદાવાદના વી.જે. ફર્નાન્ડિસ – ને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે.
આ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં ૧૦થી વધુ વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને ભ્રષ્ટાચાર કે શંકાસ્પદ કામગીરીના કારણે ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. એમ.વી. બતુલ ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝ શાખામાં ફરજ બજાવતા હતા, જ્યારે વી.જે. ફર્નાન્ડિસ અમદાવાદ શહેરમાં ફરજ પર હતા. મુખ્યમંત્રીના આ ‘ઓપરેશન ગંગાજળ’નો ઉદ્દેશ્ય સરકારી તંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે, જે ખૂબ લોકપ્રિય બન્યો છે.