‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન: મનોરંજન જગત શોકમાં
મુંબઈ: અભિનેત્રી અને રિયાલિટી ટીવી સ્ટાર શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે અકાળ અવસાન થતાં મનોરંજન ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ‘બિગ બોસ ૧૩’માં તેમના દેખાવ અને સુપરહિટ ગીત ‘કાંટા લગા’માં શાનદાર અભિનય માટે જાણીતા શેફાલીના નિધનના સમાચારથી સૌ સ્તબ્ધ છે.
હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા અનુસાર, શેફાલીને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં તેમના પતિ પરાગ ત્યાગી તેમની સાથે હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેમને છાતીમાં દુખાવો થતા પતિ પરાગ ત્યાગી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, જોકે પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન હજુ બહાર પડાયું નથી.