ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે ૬ જિલ્લામાં ‘રેડ એલર્ટ’, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રભાવિત
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨.૮ ઇંચ, કચ્છના માંડવીમાં ૨.૩ ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે (શનિવાર, ૨૮ જૂન) રાજ્યના ૬ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
આ રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, આગામી ૨૯ અને ૩૦ જૂનના રોજ પણ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.