સુરત મનપાની નિષ્ફળતા મુદ્દે યુથ કોંગ્રેસનો આક્રમક વિરોધ: મુખ્ય કચેરી ઘેરાઈ
સુરત: સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને શહેરમાં ખાડીપૂરની સમસ્યાને લઈને આજે યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી હતી, અને “ભાજપ વાળા ડૂબી મરો”, “ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
આજરોજ યોજાઈ રહેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઇરાદે કાર્યકર્તાઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને એક કાર્યકર પોલીસ વાન પર ચડીને પણ વિરોધ પ્રદર્શન કરતો દેખાયો હતો. ચોક બજાર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.