હિમાચલમાં જળપ્રલય: વાદળ ફાટવા અને પૂરથી વ્યાપક વિનાશ, ૨૩ના મોત, અનેક ગુમ
શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં પૂર અને ભારે વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. મંડીના ધર્મપુર અને લૌંગણીમાં વાદળ ફાટવાના બનાવો સામે આવ્યા છે, જ્યારે કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં ૭ થી ૮ મકાનો પાણીમાં તણાઈ ગયા છે. કરસોગના મેગલીમાં નાળાનું પાણી ગામમાં ઘૂસી જતાં ૮ ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તણાઈ ગઈ હતી.
૨૦ જૂનથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં રાજ્યમાં ૨૩ લોકોના મોત થયા છે, અને પાણીમાં તણાઈ જવાને કારણે અનેક લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ ચાલુ છે. રસ્તાઓ પરિવહન માટે અવરોધિત છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ૧ જુલાઈથી ૬ જુલાઈ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરતા આજે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે.