રાજ્યના ૧૫ ડેમ છલકાયા, ૨૧ હાઈ એલર્ટ પર: ૪૯.૩૮% જળાશયોમાં પાણીનો સંગ્રહ
અમદાવાદ: ગુજરાતમાં થયેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે, જોકે હજુ પણ ઘણા ડેમમાં ઓછું પાણી છે. રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં હાલ ૨૭૫૬૨૪ મિલિયન ક્યુબિક ફીટ (mcft) પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૯.૩૮% થાય છે. આ આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ, રાજ્યના ૧૫ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, જ્યારે ૩૮ ડેમમાં ૭૦% થી ૧૦૦% જેટલું પાણી છે. આ ઉપરાંત, ૩૬ ડેમ ૫૦% થી ૭૦% જેટલા ભરાયા છે. જોકે, અન્ય ડેમોમાં ૨૫% કરતાં પણ ઓછું પાણી નોંધાયું છે. તંત્ર દ્વારા ૨૧ ડેમને સંપૂર્ણ ભરાયેલા હોવાથી ‘હાઈ એલર્ટ’ પર, ૧૨ ડેમને ‘એલર્ટ’ પર, અને ૨૦ ડેમને ‘વોર્નિંગ’ પર રાખવામાં આવ્યા છે, જેથી પાણીના સંચાલન પર નજર રાખી શકાય.