ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હવે ‘બેગલેસ ડે’ અને ‘આનંદદાયી શનિવાર’ લાગુ થશે
ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ અને ‘આનંદદાયી શનિવાર’ અમલમાં મુકાશે. આ નવી પહેલ જુલાઈ મહિનાથી જ શરૂ થઈ ગઈ છે, જેનાથી ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને શનિવારે શાળાએ દફ્તર વગર જવાનું રહેશે.
આ દિવસે બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમત-ગમત, શારીરિક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્રકામ, બાલસભા, સંગીત જેવી આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અને NCF-SE ૨૦૨૩ હેઠળ આ નિર્ણય લેવાયો છે, જેનો મુખ્ય હેતુ બાળકોના મનોશારીરિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી વિદ્યાર્થીઓ પરનો શૈક્ષણિક બોજ ઘટશે અને તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે સમય મળશે.