શું RCB પર લાગશે પ્રતિબંધ..? સામે આવ્યો CATનો અહેવાલ
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ૪ જૂન, ૨૦૨૫ના રોજ IPL વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઉજવણીમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. આ ગંભીર ઘટના માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે RCBને મુખ્ય જવાબદાર ઠેરવ્યું છે. ટ્રિબ્યુનલના અહેવાલ મુજબ, RCBએ પોલીસની પૂર્વ પરવાનગી લીધા વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિજય પરેડ અને મફત પ્રવેશની જાહેરાત કરી હતી, જેના કારણે ભારે ભીડ એકઠી થઈ અને વ્યવસ્થા ખોરવાઈ.
CATએ ટિપ્પણી કરી કે પોલીસને માત્ર ૧૨ કલાકમાં આટલી મોટી ભીડ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી અશક્ય હતી. આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે, તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારને તત્કાલીન પોલીસ કમિશનર બી. દયાનંદ અને ડીસીપી શેખર એચ. ટેક્કનવરના સસ્પેન્શન પર પુનર્વિચાર કરવાનું પણ સૂચન કર્યું છે, કારણ કે અધિકારીઓની બેદરકારી સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નહોતા.
આ ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિપક્ષના નિશાના પર આવ્યા છે. ભાજપ અને જેડીએસે સરકાર પર સીધો હુમલો કરી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે. જોકે, IPL ૨૦૨૬ માટે RCB પર પ્રતિબંધની અફવાઓ અંગે કોઈ સત્તાવાર પુરાવા નથી.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ભલે નાસભાગ માટે RCBને જવાબદાર ઠેરવી હોય અને પોલીસની પૂર્વ મંજૂરી વિનાની જાહેરાતને કારણભૂત ગણાવી હોય, પરંતુ આ રિપોર્ટમાં કે અન્ય કોઈ સત્તાવાર સ્ત્રોત તરફથી RCBને IPL 2026 માંથી પ્રતિબંધિત કરવા અંગેનો કોઈ નિર્દેશ મળ્યો નથી. ચાહકોએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ, કારણ કે હાલની સ્થિતિએ RCB આગામી IPL સિઝનમાં ભાગ લેશે તેવી સંભાવના છે. BCCI કે IPL સત્તાવાળાઓ દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.