ખેડાના સેવાલીયામાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ૧૫૦૦ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ
ખેડા: શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરવા અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરના હસ્તે કુલ ૧૫૦૦ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ૫૬૦ જેટલા મા-બાપ વિનાના બાળકોને પણ વિશેષ રૂપે કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ, ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અને એપીએમસી ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.