ગાંધીનગરમાં ખેડૂતોને જમીનના રોગો સામે કુદરતી ઉપચાર શીખવાડાયા
જિલ્લા ખેતીવાડી કચેરી, ગાંધીનગર દ્વારા ખેડૂતોને બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોના વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાસાયણિક દવાઓના વધુ પડતા ઉપયોગથી થતી આડઅસરો ટાળવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આ પદ્ધતિઓ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે.
મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે:
- પાકની ફેરબદલી: દર વર્ષે એક જ પાકનું વાવેતર કરવાથી સૂકારો, મૂળનો કોહવારો, થડનો સડો, અને ગંઠવા કૃમિ જેવા રોગોનું પ્રમાણ વધે છે. આથી, પાકની ફેરબદલી કરવી હિતાવહ છે. ઉદાહરણ તરીકે, મગફળીના પાકમાં થડનો કોહવારો ઘટાડવા કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ સાથે ફેરબદલી કરી શકાય.
- સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ: સંપૂર્ણ કોહવાયેલ છાણીયું ખાતર, લીંબોળી, દિવેલી, કે રાયડાનો ખોળ, તેમજ મરઘાં-બતકાના ખાતરનો ઉપયોગ જમીનનું પોત સુધારે છે અને રોગો ઘટાડે છે. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલાં 750 કિ.ગ્રા. દિવેલીના ખોળનો, જ્યારે કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો માટે 10 ટન છાણીયું ખાતર પ્રતિ હેક્ટર આપવાની ભલામણ છે.
- રોગપ્રતિકારક જાતોનું વાવેતર: રોગપ્રતિકારક જાતોના વાવેતરથી રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે. મગફળીમાં ઉગસૂક, મૂળખાઈ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ કરવામાં આવે છે.
- પિયત પાણીનું નિયમન: પાકમાં રોગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને પિયતના પાણીનું યોગ્ય નિયમન કરવું જરૂરી છે. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેર જેવા પાકોમાં જમીનનું તાપમાન વધુ હોય ત્યારે મૂળખાઈ રોગની તીવ્રતા વધે છે, આવા સમયે સમયસર પિયત આપવું ફાયદાકારક છે.
- જૈવિક નિયંત્રકોનો ઉપયોગ: જમીનજન્ય ફૂગથી થતા રોગો (ઉગસૂક, સૂકારો, ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજજન્ય રોગોના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વિરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, સ્યુડોમોનાસ ફ્લુરેસેન્સ જેવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ (8 થી 10 ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો.
- મગફળીમાં થડનો કોહવારો: 5 કિ.ગ્રા. ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી 250 કિ.ગ્રા. દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું.
- દિવેલામાં સૂકારો અને મૂળનો કોહવારો: 5 કિ.ગ્રા. ટ્રાયકોડર્મા હરજીયાનમ 500 કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું.
- તુવેરમાં સૂકારો: ટ્રાયકોડર્મા હરજીયાનમ 8 થી 10 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો અને છાણીયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા 200 ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવું.
વધુ જાણકારી માટે, ખેડૂતો જિલ્લા ખેતીવાડી કચેરી, ગાંધીનગરનો ઈ-મેલ: daognr17@gmail.com, ટેલિફોન: (079) 23222779 અથવા વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરી શકે છે.