સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: સ્ટંટ ડ્રાઈવિંગથી મૃત્યુ થાય તો વળતર નહીં
ભારતમાં રસ્તા પર સ્ટંટ કે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરતી વખતે રીલ બનાવવાનું ચલણ વધ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિનું સ્ટંટ કરતા અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવતી વખતે મૃત્યુ થાય, તો તેના પરિવારને વળતર ચૂકવવા માટે વીમા કંપનીઓ બંધાયેલી નથી. આ ચુકાદો માર્ગ સુરક્ષા અને વીમા દાવાઓના નિયમોના સંબંધમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય દાખલો બેસાડે છે.
આ મામલો 2014ના એક અકસ્માતનો છે, જ્યાં બેફામ વાહન ચલાવવાને કારણે કાર ચાલકનું મૃત્યુ થયું હતું. પરિવારે ₹80 લાખના વળતરનો દાવો કર્યો હતો, પરંતુ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (MACT) અને કર્ણાટક હાઈકોર્ટે આ દાવો ફગાવી દીધો હતો. બંનેએ જણાવ્યું હતું કે મૃતક “સેલ્ફ ટૉર્ટફીઝર” હતો, એટલે કે તે પોતાના મૃત્યુ માટે જવાબદાર હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું કે મોટર વ્હીકલ એક્ટનો હેતુ નિર્દોષ પીડિતોને મદદ કરવાનો છે, પોતાના જીવને જોખમમાં મૂકનારા લોકોના પરિવારોને વળતર આપવાનો નથી.