ગુજરાતમાં ચોમાસું જામ્યું: છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ અને સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ નોંધાયો હતો. 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે, શુક્રવારે (4 જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 5 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ તથા 6 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 7 થી 9 જુલાઈ દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.