કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે “AI: Centre of Excellence”નું ભવ્ય ઉદ્ઘાટન
આજના ઝડપી બદલાતા યુગમાં Artificial Intelligence – AI એ વૈશ્વિક સ્તરે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. આવી જ દ્રષ્ટિને આકાર આપતા કડી સર્વ વિશ્વ વિદ્યાલયે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સેક્ટર -23 ખાતે “AI : Centre of Excellence”નું ભવ્ય ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના માનનીય ચેરમેન તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ નવતર કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને AI વિષયક વ્યાપક જ્ઞાન, અનુસંધાનક્ષમ માહોલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમકક્ષ તાલીમ પ્રાપ્ત થાય. AI: Centre of Excellence કેવળ એક શૈક્ષણિક કેન્દ્ર નથી, પરંતુ એ અભ્યાસ, સંશોધન, ઈનોવેશન અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે એક સક્રિય સેતુ તરીકે કાર્ય કરશે. અહીં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, સંશોધનના અવસરો, ઉદ્યોગજગત સાથે કોલ્લાબોરેટિવ વર્કશોપ્સ અને પ્રેક્ટિકલ કસોટીઓની સગવડ પણ આપવામાં આવશે.
વિશિષ્ટ વાત એ છે કે આ Excellence Centre ના માધ્યમથી વિદ્યાર્થીઓ AI ના વિવિધ ક્ષેત્રો જેમ કે Machine Learning, Deep Learning, Natural Language Processing, Computer Vision, Robotics વગેરે વિષયોમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવશે. તેમજ સ્ટાર્ટઅપ કલ્ચર, ઇનોવેટિવ આઈડિયાઝ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ તેઓને માર્ગદર્શન મળશે.
આ અવસરે કડી સર્વ વિશ્વવિદ્યાલય ના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઇ એમ પટેલ સાહેબે કેન્દ્રની પરીકલ્પના થી લઈને તેની રૂપરેખા, વિકાસ અને કામગીરીમાં ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે “આ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માત્ર વિજ્ઞાન શીખશે નહીં, પરંતુ તેઓ સમજશે કે ટેક્નોલોજી કેવી રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે છે.”
કડી સર્વવિદ્યાલયે હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં સફળ પહેલો કરી છે. આ નવી શરૂઆત પણ એ જ શ્રેણીની આગળની કડી છે. આજની પેઢીને 21મી સદીના કુશળ, જ્ઞાની અને ટેકનોસેવી નાગરિકો તરીકે ઘડવા માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. નવા યુગની ટેક્નોલોજી સાથે જોડાઈને વિદ્યાર્થીઓ પોતાનું કારકિર્દી નિર્માણ વધુ અસરકારક રીતે કરી શકે, તે માટે આવા Excellence Centre એક અગત્યના માધ્યમ બની રહ્યા છે.ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓએ AI ક્ષેત્રે કરેલ આ પહેલની ખૂબ પ્રસંશા કરી હતી. ભવિષ્યમાં આ Excellence Centre કડી સર્વવિદ્યાલય માટે નહિ, પરંતુ સમગ્ર ગુજરાત માટે AI સંશોધન અને ઇનોવેશનનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.