5 ઓગસ્ટની અટકળો પર J&Kના CM ઉમર અબ્દુલ્લાહની સ્પષ્ટતા
5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે આ તારીખ ખાસ બની ગઈ છે. આ વર્ષે ફરીથી, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જા અંગે કોઈ મોટી જાહેરાત થવાની વાતો સોશિયલ મીડિયા પર વાઇરલ (viral) થઈ હતી. જોકે, આ મામલે હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે પોતાની પોસ્ટ દ્વારા સસ્પેન્સનો અંત લાવી દીધો છે.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે X પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે, “મેં જમ્મુ-કાશ્મીરને લગતી તમામ સંભાવનાઓ વિશે સાંભળ્યું. સારા સમાચાર એ છે કે કોઈ ખરાબ ઘટના બનવાની નથી, અને ખરાબ સમાચાર એ છે કે કોઈ સકારાત્મક અનાઉન્સમેન્ટ (announcement) પણ થવાની નથી.” તેમણે ઉમેર્યું કે તેઓ હજુ પણ ચોમાસુ સત્રમાં કોઈ સારા નિર્ણયની અપેક્ષા રાખે છે, પરંતુ 5 ઓગસ્ટના દિવસે જ કંઈક થશે તેવી તેમને શ્રદ્ધા નથી. ઉમર અબ્દુલ્લાહે સ્પષ્ટતા કરી કે તેમની કોઈ દિલ્હીના નેતાઓ સાથે મુલાકાત થઈ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ આ પ્રકારની અટકળોને વેગ મળ્યો હતો, પરંતુ હવે મુખ્યમંત્રીના આ નિવેદનથી તમામ રુમર્સ (rumours) પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી, રાજ્યના દરજ્જાની માંગ સતત ચાલુ છે.