સરગાસણમાં સગાએ જ મિત્રતાનો લાભ ઉઠાવ્યો, ફ્લેટ અપાવવાના નામે ૧૬ લાખની ઠગાઈ
ગાંધીનગરના સરગાસણમાં રહેતા એક કંપનીના ડિરેક્ટર સાથે તેમના જ સગા દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી સગાએ ફ્લેટ અપાવવાની લાલચ આપીને કુલ ૧૬ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનાનો ભોગ બનેલા ફરિયાદી ચિરાગસિંહ રાઓલ, જે એક ટુરિઝમ કંપનીના ડિરેક્ટર છે, તેમણે પોતાના સગા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૧૯માં, ચિરાગસિંહને ફ્લેટ ખરીદવાનો હતો ત્યારે ધર્મેન્દ્રસિંહે તેમને સરગાસણની ‘સ્પર્શ બ્રીઝ ગ્રીન’ સ્કીમમાં ભાગીદાર હોવાનું જણાવી ફ્લેટ અપાવવાની વાત કરી હતી.
ફ્લેટની કિંમત ૩૦ લાખ રૂપિયા નક્કી થયા બાદ, બુકિંગ માટે ચિરાગસિંહે તેમના પિતાના ખાતામાંથી ૧૬ લાખ રૂપિયાના ચેક ધર્મેન્દ્રસિંહને આપ્યા હતા. જોકે, ધર્મેન્દ્રસિંહે આ પૈસા સ્કીમની કંપનીના ખાતામાં જમા કરવાને બદલે પોતાના અને પોતાની પત્નીના અંગત બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા.
પાછળથી, ચિરાગસિંહને જાણ થઈ કે કંપનીને તો માત્ર ૮ લાખ રૂપિયા જ મળ્યા છે. આથી, તેમણે બાકીની રકમ અલગથી ચૂકવીને અને લોન લઈને ફ્લેટનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો. જ્યારે તેમણે ધર્મેન્દ્રસિંહ પાસે પોતાના ૧૬ લાખ રૂપિયા પાછા માંગ્યા, ત્યારે ધર્મેન્દ્રસિંહે વાયદા કર્યા, પરંતુ પૈસા પાછા આપ્યા નહીં. આખરે છેતરાયાનો અહેસાસ થતાં, ચિરાગસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.