ચર્ચાસ્પદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં: હુમલો અને લૂંટના કેસમાં ધરપકડ
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડની ગુજરાત પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીક આવેલા તેના ફાર્મહાઉસ પરથી પોલીસે દેવાયત સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે હુમલામાં વપરાયેલી તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.
પોલીસને તપાસ દરમિયાન દેવાયત ખવડ દુધઈ ગામ નજીકના CCTV ફૂટેજમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને તેને તેના ફાર્મહાઉસ પરથી પકડી પાડ્યો. હાલ, પોલીસ દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ કરી રહી છે.
દેવાયત ખવડ પર સનાથળના એક યુવક પર હુમલો કરવાનો આરોપ છે. ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ, ચિત્રોડ નજીકના રિસોર્ટથી સોમનાથ જતી વખતે દેવાયત ખવડ અને 10-15 અન્ય શખસોએ તેની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ, પાઈપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસેથી ₹42,000 થી ₹43,000ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.