સુપ્રીમ કોર્ટનો NHAIને સવાલ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ પણ લોકો ટોલ કેમ ભરે?
નવી દિલ્હી: ભારતમાં ખરાબ રસ્તાઓ અને તેના પર લાગતા ટ્રાફિક જામને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને આકરો સવાલ ઉઠાવ્યો છે. કેરળના ત્રિશૂર ખાતે નેશનલ હાઈવે નંબર 544ની ખરાબ સ્થિતિ અંગે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અને ટોલ વસૂલતી કંપનીને પૂછ્યું છે કે, જ્યારે એક કલાકની મુસાફરીમાં 12 કલાક લાગતા હોય, ત્યારે કોઈ મુસાફરને ₹150નો ટોલ ટેક્સ ભરવા માટે કેમ મજબૂર કરી શકાય? મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી. અદાલતને જાણ કરવામાં આવી હતી કે આ હાઈવે પર એક ટ્રક ખાડામાં ફસાઈ જતાં અકસ્માત થયો હતો, જેના કારણે 12 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કેરળ હાઇકોર્ટે અગાઉ આ જ મુદ્દે ટોલ વસૂલ ન કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે NHAI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો છે કે, જે મુસાફરો ખરાબ વ્યવસ્થાના કારણે કલાકો સુધી ફસાયેલા રહે છે, તેમને ઇંધણ અને સમયના નુકસાન બદલ શું વળતર આપવામાં આવશે? આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટ રસ્તાઓની ગુણવત્તા અને ટોલ વસૂલવાની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવી રહી છે.