ન્યાય તમારા આંગણે: ગાંધીનગરમાં 13 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન
ગાંધીનગર: સામાન્ય નાગરિકોને ઝડપી અને પરસ્પર સહમતિથી ન્યાય મળી રહે તેવા હેતુસર, ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 13 સપ્ટેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતનું આયોજન ‘લોક અદાલત એટલે લોકોની અદાલત, ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય’ના સિદ્ધાંત પર આધારિત છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ, આ લોક અદાલતનું આયોજન ગાંધીનગર જિલ્લાની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, સુશ્રી હિતા આઈ. ભટ્ટ સાહેબશ્રી કરશે.
આ નેશનલ લોક અદાલતમાં સમાધાન લાયક વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138ના કેસ, બેંકના લેણાંના દાવા, મોટર અકસ્માત વળતરના કેસ, શ્રમ સંબંધિત કેસો, વીજળી અને પાણીના વેરાના કેસો, છૂટાછેડા સિવાયના લગ્ન સંબંધિત કેસો, જમીન સંપાદનના કેસ, પે અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ, રેવન્યુ કેસો અને અન્ય સિવિલ કેસોનો સમાવેશ થાય છે. ટ્રાફિક ઈ-મેમોના કેસોનો પણ નિકાલ કરવામાં આવશે.
જે પક્ષકારો, બેંકો, વીમા કંપનીઓ, કે નાણાકીય સંસ્થાઓ તેમના પેન્ડિંગ અથવા પ્રી-લિટીગેશન કેસોનું સુખદ સમાધાન કરવા ઇચ્છુક હોય, તેઓ ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી અથવા કલોલ, માણસા, અને દહેગામ ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી, રૂમ નંબર 101, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેક્ટર-11, ગાંધીનગરનો સંપર્ક કરવા જણાવાયું છે.