ગુજરાત

કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોને મોટી રાહત: ફરજ દરમિયાન મૃત્યુ પર પરિવારને 14 લાખની સહાય મળશે

ગાંધીનગર: રાજ્યની મહાનગરપાલિકાઓ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ફરજ દરમિયાન મૃત્યુ પામતા આવા શિક્ષકોના પરિવારને ₹14 લાખની નાણાકીય સહાય મળશે. આ નિર્ણય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા 13 વર્ષથી ચલાવવામાં આવેલી લડત બાદ લેવામાં આવ્યો છે.રાજ્ય સરકારના 2011ના ઠરાવ મુજબ, વર્ગ-3 અને વર્ગ-4ના કાયમી અને ફિક્સ પગારના કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુ થતાં તેમના પરિવારને નાણાકીય સહાય મળતી હતી, પરંતુ કોર્પોરેશનની શાળાઓના શિક્ષકો આ લાભથી વંચિત હતા. આ અંગે વારંવાર રજૂઆતો અને લડત ચલાવવામાં આવી હતી. સરકારે જારી કરેલા નવા ઠરાવ મુજબ, હવે કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોને પણ આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારે એક વર્ષની અંદર અરજી કરવી પડશે. સૌથી મોટી વાત એ છે કે, 2011 પછી મૃત્યુ પામેલા અગાઉના 223 શિક્ષકોના પરિવારને પણ આ યોજનાનો લાભ મળશે, પરંતુ તેમને જે તે વર્ષના ઠરાવ મુજબ ₹4 લાખ અથવા ₹10 લાખની સહાય મળશે. જ્યારે નવા ઠરાવ પછી મૃત્યુ પામનારા શિક્ષકોના પરિવારને ₹14 લાખની સહાય મળશે.હાલમાં, રાજ્યની 8 મહાનગરપાલિકાઓ સંચાલિત સરકારી શાળાઓમાં 12,400 થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે, જેમને આ નિર્ણયથી મોટો ફાયદો થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *