શિકાગોને નેશનલ ગાર્ડને હવાલે કરવાની ટ્રમ્પની ચેતવણી: હત્યાના દરોની દિલ્હી અને ઇસ્લામાબાદ સાથે સરખામણી
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસી બાદ હવે શિકાગોને નેશનલ ગાર્ડને હવાલે કરવાની ચેતવણી આપી છે. શિકાગો ડેમોક્રેટ શાસિત રાજ્યનું શહેર હોવાથી આ નિવેદનથી રાજકીય વિવાદ વધુ વકર્યો છે. આ વિવાદ વચ્ચે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટ્ટે શિકાગોના ગુનાના આંકડાઓની સરખામણી ભારત અને પાકિસ્તાનની રાજધાનીઓ સાથે કરી છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
લેવિટ્ટે જણાવ્યું કે, શિકાગોમાં હત્યાનો દર પ્રતિ 1 લાખની વસ્તીએ 25.5 છે, જે ઇસ્લામાબાદ કરતાં બમણો અને નવી દિલ્હી કરતાં 25 ગણો વધુ છે. તેમણે કહ્યું કે 2024માં ઇસ્લામાબાદમાં આ દર 9.2 હતો, જ્યારે નવી દિલ્હીમાં તે માત્ર 1.48 હતો. ટ્રમ્પે દાવો કર્યો છે કે ડેમોક્રેટ શાસિત શહેરોની નીતિઓ ગુનાને પ્રોત્સાહન આપે છે, જ્યારે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડની તૈનાતી પછી ગુનાઓમાં 41% નો ઘટાડો થયો છે.
બીજી તરફ, શિકાગો પોલીસ વિભાગે ટ્રમ્પ સરકારના દાવાઓથી વિપરીત જણાવ્યું છે કે, શહેરમાં એકંદર ગુનાના દરમાં 2024 કરતાં 11% નો ઘટાડો નોંધાયો છે. જોકે, ટ્રમ્પ સરકાર શિકાગોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવા માટે મક્કમ છે અને પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે, “શિકાગોમાં સ્થિતિ અત્યંત ખરાબ છે અને શહેરીજનો મદદ માટે બૂમો પાડી રહ્યા છે.”