પોલીસ ભરતી કૌભાંડ મામલે ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગાંધીનગર: ગાંધીનગરમાં ચાર વર્ષ પહેલાં પોલીસમાં પરીક્ષા વગર ભરતી કરાવી આપવાના બહાને મોટા પાયે છેતરપિંડી આચરનારા મુખ્ય સૂત્રધાર સહિત એક દંપતીને કોર્ટે સખત સજા ફટકારી છે. ગાંધીનગર એસઓજી દ્વારા આ મામલાની તપાસ પૂર્ણ થયા બાદ ચાલેલા કેસમાં, કોર્ટે ત્રણેય આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે.
આ ઘટના વર્ષ 2021ની છે, જ્યારે આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના યુવાનોને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને છેતર્યા હતા. મુખ્ય આરોપી કૃણાલ ગોવિંદભાઈ સાધુએ પોતાની ઓળખ ‘કલ્પેશ પટેલ’ તરીકે આપી હતી અને પોતે ડીજીપીના પીએ તરીકે કામ કરતો હોવાનો દાવો કર્યો હતો. તેણે તેના સાથીદારો સિદ્ધાર્થ પાઠક અને પૂજા પાઠક સાથે મળીને ઉમેદવારો પાસેથી કુલ ₹95 લાખ પડાવ્યા હતા.
આરોપીઓએ નકલી કોલ લેટર, નિમણૂક પત્રો અને આઈ-કાર્ડ બનાવીને ઉમેદવારોને આપ્યા હતા, જેના પર તત્કાલીન પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને અન્ય અધિકારીઓના નકલી સહી-સિક્કા હતા. એસઓજી દ્વારા કેસની તપાસ કરવામાં આવી અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
ગાંધીનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિમાંશુ ચૌધરીની કોર્ટમાં ચાલેલા કેસમાં સરકારી વકીલ એચ.પી. ચૌધરીએ મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે આ કડક સજાનો હુકમ કર્યો છે. આ ચુકાદો ભરતી પ્રક્રિયામાં થતી છેતરપિંડી સામે એક મજબૂત દાખલો બેસાડે છે.