ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમ થશે લાગુ, જાણો કેટલાનો થશે દંડ?
ગાંધીનગર :
કેન્દ્ર સરકારે તાજેતરમાં મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો બહાર પાડ્યા છે, જેને પગલે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નવા નિયમ પ્રમાણે ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર વાહન ચાલકને જંગી દંડ ભરવો પડે છે, જેનો અનેક ઠેકાણે વિરોધ પણ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, જેથી વાહન ચાલકોને દંડમાં મોટી રાહત મળી શકે છે.
CM રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું કે, રાજ્ય સરકારે મોટર વ્હિકલ એક્ટની 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નવા નિયમો આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો કરવા અને દંડની રકમ ઘટાડવાની સત્તા રાજ્ય સરકારોને આપી જ છે. આથી જ અમે કાયદાની કલમોમાં ફેરફાર કરીને દંડની રકમ ઘટાડીને લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે.
નવા નિયમો મુજબ હેલ્મેટ વિનાના વાહન ચાલકને 500 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો રૂપિયા 500નો દંડ, લાઈસન્સ વિના વાહન ચલાવનારને 3000 રૂપિયાનો દંડ અને ઓવરસ્પીડમાં વાહન હંકારતા ચાલકને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.