ડીજેનો અવાજ ‘માથું ફાડી નાખે છે’: ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે સરકારને ઝાટકી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણના બેફામ ન્યુસન્સ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ૨૦૦૫ના ચુકાદા અને નિયમો હોવા છતાં, ઊંચા અવાજે વાગતા ડીજે અને ઘોંઘાટ પર કાર્યવાહી કરવામાં સત્તાધીશોની નિષ્ફળતા અંગે હાઈકોર્ટે કડક ટકોર કરી હતી.
જસ્ટિસ એ.એસ. સુપહિયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે જણાવ્યું કે, “રસ્તાઓ પર ૨૦-૨૦ ફૂટ ઊંચા ડીજે વાગતા હોય અને છતાં પોલીસ પગલાં ન લે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.” કોર્ટે વધુમાં ઉમેર્યું કે, ડીજેનો ભયંકર અવાજ “માથું ફાડી નાખે તેવો” હોય છે અને તે અસહનીય છે. આ મામલે દાખલ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને સુપ્રીમ કોર્ટના ચુકાદા અને માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરવા નિર્દેશ આપ્યો છે.