ગુજરાત કેબિનેટમાં ફેરફારના એંધાણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં, મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થશે?
ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. રાજકીય સૂત્રોનું કહેવું છે કે તેઓ મંત્રીમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને દિલ્હી ગયા છે, જ્યાં કેન્દ્રીય નેતૃત્વ આ લિસ્ટ પર અંતિમ મહોર મારશે. એવી અપેક્ષા છે કે મુખ્યમંત્રી રાત્રે જ ગુજરાત પરત ફરશે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કયા વર્તમાન મંત્રીઓનું પદ જશે અને કોને નવો મોકો મળશે. એવી ચર્ચા છે કે કેબિનેટમાં છથી સાત નવા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, જેમાં અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડા અને હાર્દિક પટેલના નામ મોખરે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના નવા ચહેરાઓને પણ તક મળી શકે છે.
બીજી તરફ, કેટલાક વર્તમાન મંત્રીઓ, જેવા કે બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ, પર લાગેલા આરોપોને કારણે તેમને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસથી રાજ્યનું રાજકારણ વધુ ગરમાયું છે. આ સૂચક પ્રવાસને જોતા, આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કંઈક મોટો ફેરફાર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને, આ વખતે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય મળી શકે છે.