એક પેડ માં કે નામ’ ઝુંબેશ: ગાંધીનગરમાં ૪૩ ટકા વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ થયો, દહેગામ તાલુકો મોખરે
વિકાસના નામે કપાતી હરિયાળીને જાળવી રાખવા માટે ગાંધીનગર જિલ્લામાં ‘એક પેડ માં કે નામ’ હેઠળ શાળાઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ ૨ ઓક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં કુલ ૩,૨૫,૯૧૫ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હતો, જેમાંથી અત્યાર સુધીમાં ૧,૪૦,૬૯૦ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ સાથે કુલ ૪૩.૧૭% લક્ષ્યાંક સિદ્ધ થયો છે.
આ ઝુંબેશમાં દહેગામ તાલુકો સૌથી આગળ રહ્યો છે, જ્યાં ૫૨,૫૦૯ વૃક્ષોના લક્ષ્યાંક સામે ૨૯,૧૮૯ વૃક્ષો વાવવામાં આવ્યા, જે ૫૫.૫૯% સિદ્ધિ દર્શાવે છે. જ્યારે કલોલમાં ૫૦.૮૬%, માણસામાં ૪૮.૩૪% અને ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછું ૩૪.૮૩% વૃક્ષારોપણ થયું છે. આ ઝુંબેશમાં ૧,૩૩૦ શાળાઓમાંથી ૧,૨૦૬ શાળાઓને નોટિફાય કરવામાં આવી છે અને તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પણ જોડવામાં આવ્યા છે.