ગુજરાતમાં ભૂકંપના આંચકા વધ્યા: સપ્ટેમ્બરમાં ૫૦ આંચકા નોંધાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે, જે ચિંતાનો વિષય છે. શુક્રવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વાંસદા (તીવ્રતા ૧.૬) અને વલસાડ (તીવ્રતા ૨.૩) માં ૪૫ મિનિટના ગાળામાં જ આંચકા અનુભવાયા હતા. આ સાથે જ, સપ્ટેમ્બરના ૨૬ દિવસમાં ગુજરાતમાં કુલ ૫૦ જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે, જે છેલ્લાં વર્ષોમાં એક જ મહિનામાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે.
ઈન્ડિયન સિસ્મોલોજી રિસર્ચના કાર્યવાહક ડિરેક્ટર સુમેર ચોપરાએ આ વધારા પાછળનું કારણ સમજાવ્યું છે. નિષ્ણાતોના મતે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસા પછી જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઉતરે છે. આનાથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહાર છોડે છે, ત્યારે તે ભૂકંપના આંચકા મારફતે બહાર આવે છે.
જોકે, કચ્છનો ભૂસ્તરશાીય પ્રદેશ અલગ છે અને ત્યાં પૂર્વથી પશ્ચિમ તરફ ઘણી સક્રિય ફોલ્ટલાઇન છે. હાલમાં નોંધાયેલા મોટાભાગના આંચકાની તીવ્રતા સામાન્ય રીતે ૧ થી ૨ વચ્ચે જ રહી છે, જ્યારે સૌથી વધુ તીવ્રતાનો ૩.૩ નો આંચકો કચ્છના ખાવડા પાસે નોંધાયો હતો.