ગુજરાતના રસ્તાઓ પર હાઇકોર્ટનો સખત વલણ: ‘ખરાબ રસ્તા પરથી પસાર થવું ભયાનક અનુભવ’, NHAI ને આકરી ચેતવણી
ગુજરાત હાઇકોર્ટે રાજ્યના બિસ્માર અને તૂટેલા હાઇવેની સ્થિતિ પર આજે બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે નેશનલ હાઇવેની ખરાબ હાલતની ટીકા કરતાં જણાવ્યું કે, આવા રસ્તા પરથી પસાર થવું એ એક ભયાનક અનુભવ છે. અદાલતે પોતાનો ભરૂચથી સુરત જવાનો કડવો અનુભવ પણ વર્ણવ્યો હતો.
હાઇકોર્ટે ખાસ કરીને ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચેના ખરાબ રસ્તાઓ અને કરાર પૂરો થયા પછી પણ ટોલ ઉઘરાવવાનું ચાલુ રાખવા બદલ થયેલી જાહેરહિતની અરજીમાં આ ટકોર કરી હતી.
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ને ચેતવણી આપી કે નાગરિકોને ખરાબ રસ્તાઓનો કડવો અનુભવ કરાવવા અને બહાના બતાવવાને બદલે તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. હાઇકોર્ટે સખત ભાષામાં કહ્યું કે જો NHAI આ સમસ્યાનું નિરાકરણ ન લાવી શકે, તો અદાલત તેની રીતે હુકમ જારી કરશે. અદાલતે NHAIને રાજ્ય સરકારની મદદ લેવા પણ તાકીદ કરી, પરંતુ નાગરિકોને આવી ભયાનક પરિસ્થિતિ વેઠવા માટે ન છોડવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.