બહિયલ હિંસા મામલો: ૬૦ આરોપીઓનો પોલીસ દ્વારા ‘વરઘોડો’ કાઢવામાં આવ્યો
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મુદ્દે ભડકેલી હિંસામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લઘુમતી સમાજના ટોળા દ્વારા નવરાત્રીના ગરબા પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગજની કરવામાં આવી હતી. આ મામલે ૮૩ વ્યક્તિઓ સામે નામજોગ અને ૨૦૦થી વધુના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં ૬૬ આરોપીઓની ધરપકડ કરી છે.
બહિયલ ગામમાં ગત બુધવારે રાત્રે લઘુમતી સમાજના ટોળા દ્વારા ગરબા રમી રહેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મકાનો, દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મામલો બેકાબૂ બનતા ગાંધીનગરથી પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે ૬૬ આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આજે ૬૦ જેટલા આરોપીઓને દોરડાથી બાંધીને તેમનો ‘વરઘોડો’ કાઢ્યો હતો. પોલીસે આરોપીઓને તે સ્થળો પર લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગઈકાલે મુખ્ય ૧૦ આરોપીઓ સાથે પણ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આજે ૬૧ આરોપીઓને કોર્ટ દ્વારા સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મનાતા ૫ આરોપીઓને પોલીસે ૫ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત હેઠળ ગરબાનું આયોજન ચાલુ છે અને અજંપાભરી શાંતિ જળવાયેલી છે.