ગુજરાતમાં ન્યાય પ્રક્રિયા બનશે ઝડપી: ૧૫૦૦થી વધુ નોટરીની નિમણૂક માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર
ગુજરાત રાજ્યના કાયદા વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૫૧૮ નવા નોટરીઓની નિમણૂક માટેનું પ્રોવિઝનલ લિસ્ટ (કામચલાઉ યાદી) જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૧૬૬૦ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી, જેની સામે આટલા નોટરી પસંદગી પામ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને નોટરીનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
કાયદા વિભાગ કોર્ટના ડિજિટલાઈઝેશન અને માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યા પછી હવે માનવબળમાં વધારો કરીને ન્યાય વ્યવસ્થાને વધુ વેગ આપી રહ્યો છે. રાજ્યમાં આ ૧૫૧૮ નવા નોટરીઓ જોડાતાં, કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. લોકોને પોતાના ઘર આંગણે ન્યાય મેળવવામાં વધુ સરળતા રહેશે, જે નાગરિકો માટે એક મોટી રાહત છે. કાયદા વિભાગની આ કામગીરીને સરાહનીય ગણવામાં આવી રહી છે.