ગાંધીનગરમાં જૂની અદાવત લોહિયાળ બની: કુડાસણ પાસે લોખંડની પાઇપ અને છરી વડે યુવાનની હત્યાનો પ્રયાસ
ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણના અર્બનિયા મોલ પાસે ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ ઝઘડામાં લોખંડની પાઇપ અને છરી વડે એક યુવાન પર હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. હાલ ઇન્ફોસિટી પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના અને કુડાસણમાં ફરાળીની દુકાનમાં કામ કરતા મનીષસિંગ રાવતે ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ પહેલાં કચ્છની એક હોટલમાં મનીષસિંગ અને તેના મિત્ર દેવેન્દ્રસિંગ રાવત વચ્ચે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતને લઈને ગઈકાલે રાત્રે દેવેન્દ્રસિંગના મિત્રોએ મનીષસિંગને અર્બનિયા હોટલ પાસે બોલાવ્યો હતો.
મામલો શાંત પાડવા માટે મનીષસિંગ તેના દુકાન માલિક, અન્ય મિત્રો મિતેશ રાવત, સુરેશ વણઝારા અને રાહુલ વણઝારા સહિતના લોકો સાથે સમાધાન કરવા ગયા હતા. જોકે, ત્યાં દેવેન્દ્રસિંગ રાવત તેના સાત ઓળખીતા મિત્રો અને પાંચ-છ અજાણ્યા માણસોના ટોળા સાથે હાજર હતો. મનીષસિંગે શાંતિથી નોકરી કરવાની વાત કહેતા દેવેન્દ્રસિંગ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલીને હુમલો કર્યો. વચ્ચે પડેલા મનીષસિંગના મિત્ર સુરેશભાઈ વણઝારા પર આરોપીઓએ પાઈપો અને છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.