Gandhinagar: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના ૭૮,૦૦૦ના મોબાઈલ ચોરાયા
ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના સેક્ટર-૩ માં રૂમ ભાડે રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓ ચોરીનો ભોગ બન્યા છે. તેમના રૂમમાંથી કુલ ₹૭૮,૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફરિયાદ કરનાર વિદ્યાર્થી વિશાલ ગોપાલભાઈ કેશુર અને તેમના અન્ય મિત્રો રૂમમાં સાથે રહે છે અને વાંચન માટે મોડે સુધી બહાર રહેતા હોવાથી ઘણીવાર રૂમનો દરવાજો બંધ કરવામાં આવતો નથી. ગુરુવારની રાત્રે આ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાંથી વાંચીને રૂમ પર આવ્યા હતા. જોકે, વહેલી સવારે જાગીને જોયું તો વિશાલનો પોતાનો અને અન્ય ત્રણ મિત્રો – અંકિત મોઢવાડિયા, મિલન જોટવા અને રાજ ચાવડા – ના મોબાઈલ ફોન ગાયબ હતા.
પોલીસનું માનવું છે કે અગાઉ કુડાસણ વિસ્તારમાં પણ પીજી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા હતા, તેથી આ ચોરીઓમાં કોઈ ચોક્કસ ગેંગ સક્રિય હોવાની શક્યતા છે.