દલિત-પાટીદાર આંદોલન મુદ્દે વિધાનસભા ગૃહમાં વિશેષ ચર્ચાની માગણી
ગાંધીનગર :રાજ્યમાં દલિતો પર હુમલા થઇ રહ્યા છે. પાટીદારો, આદિવાસી સમાજ, સામાજિક અને આર્થિકરીતે પછાત વર્ગ, વેપારી સમાજ તથા અન્ય સમાજ અને મહિલાઓ પણ અત્યાચારનો ભોગ બની રહી છે. આ બધી ઘટનાઓ સ્પષ્ટરીતે સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. મુખ્યમંત્રી બદલાયા પછી ભાજપનો આંતરિક વિખવાદ વધ્યો છે, વિખવાદ તેમને મુબારક પણ પ્રજા તેમાં પીસાય તે કોઇ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આથી ભાજપ સરકારે વિધાનસભા ગૃહમાં દલિતો અને પાટીદારો પરના અત્યાચાર માટે એક આખો દિવસ ચર્ચા કરવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ માગણી કરી હતી. તેમણે સરકારી કામકાજ માટે ત્રણ દિવસ ફાળવીને સત્ર કુલ પાંચ દિવસનું કરવાની માગણી કરી હતી.
5 દિવસનું સત્ર બોલાવવાની વિરોધ પક્ષની પુન: માગ
અગાઉ વિધાનસભા પાંચ દિવસની બોલાવવાની માગણી વાઘેલાએ કર્યા બાદ દલિતો પર હુમલાની ઘટના બનતા તેને ગંભીરતાથી લઇને સરકારને સત્ર લંબાવવાની માગણી કરી હતી. અક્ષર પુરુષોત્તમના વડાપ્રમુખ સ્વામી બ્રહ્મલીન થતાં તેમને શોકાંજલિ આપતો ઠરાવ વિધાન સભામાં રજૂ કરવાની માગણી પણ કરી હતી. તેમણે એવી માગણી પણ કરી હતી કે વિધાનસભા સત્રના પહેલા દિવસે શોકપ્રસ્તાવ હોય અને તેમની જીવન ઝરમર તથા ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક એમ અનેક રીતના તેમના યોગદાન માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવે અને ત્યારબાદ અન્ય શોકપ્રસ્તાવ રજૂ કર્યા પછી સભાગૃહની બેઠક મોકૂફ રાખવી જોઇએ.
-ભાજપ વર્ગવિગ્રહ ઊભો કરે છે: ભરતસિંહ સોલંકી
ભાજપ સરકાર વર્ગવિગ્રહ કરાવવા આગળ વધી રહી છે તેવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં રાજ્ય સરકાર કોઇપણ રીતે સત્તા ટકાવી રાખવા માટે લોકોની લાગણી ભડકાવી રહી છે.