હોંગકોંગમાં ભયાનક વિમાન દુર્ઘટના
સોમવારે (20 ઓક્ટોબર) વહેલી સવારે એક મોટી દુર્ઘટનામાં દુબઈથી ઉડાન ભરનાર એક બોઇંગ 747 કાર્ગો વિમાન હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસીને સમુદ્રમાં ખાબક્યું હતું. આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે લગભગ 3:50 વાગ્યે થયો હતો.
દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાનનો અડધો ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. વિમાનમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે, જ્યારે અન્ય બેને બચાવી લેવાયા છે. જોકે, અમીરાત એરલાઇન્સે તેના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે, જેના કારણે મૃત્યુના આંકડા અંગે થોડી અસ્પષ્ટતા છે.
આ અકસ્માત બાદ એરપોર્ટના વ્યસ્ત ઉત્તરી રનવેને તાત્કાલિક બંધ કરી દેવાયો છે, જેના કારણે ફ્લાઇટ સંચાલન પર અસર પડી શકે છે. જોકે, દક્ષિણ અને મધ્ય રનવે કાર્યરત છે. હોંગકોંગના નાગરિક ઉડ્ડયન વિભાગે આ દુર્ઘટનાની જાણ એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સીને કરી છે, જે તકનીકી ખામી, પાઇલટની ભૂલ અથવા હવામાન જેવા કારણોની તપાસ કરશે.