મંત્રી પ્રફુલ પાનશેરીયાની સરપ્રાઈઝ વિઝીટ: આરોગ્ય તંત્રને માનવતાથી સેવા કરવા માર્ગદર્શન
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે જ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીશ્રીએ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ તમામ શાખાઓની મુલાકાત લીધી અને સંવાદ કર્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગની ઉત્તમ કામગીરીને આગળ ધપાવીને ગુજરાતની આરોગ્ય સેવાઓને સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડવાનો લક્ષ્ય છે.
ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ, આગામી સમયમાં મેગા સ્વચ્છતા અભિયાન
મંત્રીશ્રી પાનશેરીયાએ ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વોને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, “ભેળસેળ કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.” આવા ભયંકર પાપ કરનારા લોકો સુધરી જાય, નહીં તો આગામી દિવસોમાં તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ, મંત્રીશ્રીએ અન્ય એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગના સિવિલ હોસ્પિટલથી લઈને CSC, PHC અને તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
આત્મીયતાપૂર્વક સેવા પર ભાર
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીમાં ભારતના આરોગ્ય તંત્રએ ઉત્તમ કામગીરી કરી હતી, જેને આગળ વધારતા હવે આરોગ્ય વિભાગ નવા સંશોધનોની કામગીરીની સાથે ‘ટંગ મેનેજમેન્ટ’ પર પણ ધ્યાન આપશે. દર્દી નારાયણની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ મુલાકાત દરમિયાન અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સહિત આરોગ્ય વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

