ગાંધીનગરના પત્રકારો માટે 3 નવેમ્બરે સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ
પત્રકારોના સ્વાસ્થ્યની મહત્તાને સમજીને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ, માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં મીડિયાકર્મીઓ માટે ‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’ અભિયાનનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો હેતુ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે, જે મીડિયાકર્મીઓને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તા. 3 નવેમ્બરના રોજ સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં થનાર ટેસ્ટ:
- નિઃશુલ્ક સામાન્ય ટેસ્ટ: બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઇસીજી.
- અન્ય ટેસ્ટ: વિટામિન D, વિટામિન B12, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ.
આ ઉપરાંત, હેલ્થ ચેકઅપ ટીમ દ્વારા પત્રકાર મિત્રોને આરોગ્ય અને સ્વસ્થ જીવન સંદર્ભે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. માહિતી નિયામકશ્રી ગુજરાત રાજ્ય અને નાયબ માહિતી નિયામક ગાંધીનગર દ્વારા જિલ્લાના તમામ પત્રકારોને વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી આ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

