43 વર્ષ જેલ ભોગવ્યા બાદ રાહત: ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના દેશનિકાલ પર અમેરિકી કોર્ટે રોક લગાવી
ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમને અમેરિકાની અદાલતમાંથી મોટી રાહત મળી છે. હત્યાના ખોટા આરોપમાં 43 વર્ષ જેલમાં રહ્યા બાદ તેમની સજા આ જ વર્ષે રદ કરવામાં આવી હતી, પરંતુ મુક્ત થતાં જ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને દેશનિકાલ (deportation) માટે અટકાયતમાં લીધા હતા.
ગુરૂવારે અમેરિકાના ઇમિગ્રેશન જજે આદેશ આપ્યો કે, જ્યાં સુધી બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ (BIA) તેમનો કેસ ન જુએ, ત્યાં સુધી 64 વર્ષીય વેદમને નિર્વાસિત કરી શકાશે નહીં. આ ઉપરાંત, તેમના વકીલોએ પેન્સિલ્વેનિયાની જિલ્લા અદાલતમાંથી પણ રાહત મેળવી છે, જેના પગલે આ મામલો હાલ પૂરતો સ્થગિત થઈ ગયો છે. વેદમ કાયદેસર રીતે 9 મહિનાની ઉંમરે પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. વર્ષ 1980માં તેમને મિત્ર થોમસ કિન્સરની હત્યાના ખોટા આરોપમાં બે વાર દોષી ઠેરવવામાં આવ્યા હતા.
જોકે, ઓગસ્ટ 2024માં અદાલતે નવા બેલિસ્ટિક તપાસ રિપોર્ટના આધારે તેમની 43 વર્ષની સજા રદ કરી. 3 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત થતાં જ, ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને લુઇસિયાનાના એલેક્ઝેન્ડ્રિયા ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દીધા હતા. વેદમની બહેન સરસ્વતી વેદમએ કહ્યું કે, ‘જે ગુનો તેમણે કર્યો જ નથી, તેના માટે તેઓ પહેલાથી જ 43 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. હવે તેમને ફરીથી અન્યાય ન થવો જોઈએ.’

