રાષ્ટ્રીય

બિહાર ચૂંટણીનો પ્રથમ તબક્કો: 121 બેઠકો પર મતદાન શરૂ

બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે (6 નવેમ્બર) સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 121 બેઠકો પર 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવ અને ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત રાજ્યના 16 મંત્રીઓનું રાજકીય ભવિષ્ય આજે દાવ પર છે. તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેમનો મુખ્ય મુકાબલો ભાજપના સતીશ કુમાર સામે છે. સવારે 9 વાગ્યા સુધીમાં બિહારમાં આશરે 13.13% જેટલું મતદાન નોંધાયું છે.

બિહારની રાજનીતિમાં ચર્ચિત લાલુ પ્રસાદ યાદવના પરિવારે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતી પણ મતદાન કરતા જોવા મળ્યા હતા. જોકે, મતદાન દરમિયાન અમુક જગ્યાએ અવ્યવસ્થા પણ જોવા મળી હતી. મુજફ્ફરપુરના લગભગ ત્રણ બૂથ પર મતદારોએ ઓવરબ્રિજ અને રસ્તાની માંગણી સાથે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, બિહાર શરીફમાં મતદાન સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *